ભગવદીયોની કૃપા

શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે:
પ્રભુને જે કોઈ પામ્યા છે તે ભગવદીયોની કૃપાથી જ, એમના સંગ થકી પામ્યા છે. પ્રભુથી પ્રભુને કોઈ પામ્યા નથી. માટે એક ક્ષણ પણ ભગવદીયના સંગ વિના રહેવું નહીં. કેમ કે એમના સંગથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. આવો ભગવદીયોનો મોટો પ્રભાવ છે. એમનો મહિમા છે. ભગવદીયોની મંડળીમાંથી ભગવાનના ચરિત્રો જાણવા મળે. કારણ કે પ્રભુ પોતે પોતાના જસ વરણતા નથી. એ તો ભગવદીયો દ્વારા પોતાના જસના ગાન કરાવે છે. ભગવદીય સર્વથી મોટા છે. ભગવદીયોનો સંગ છોડવો નહીં અને સેવા-સ્મરણ છોડવા નહીં.

શ્રીહરિરાય મહાપ્રભુજી પણ ભગવદીયોનો સંગ કરવાની આજ્ઞા આપે છે.
પોતે પણ કહે છે : “હોં વારી ઈન વલ્લભીયન પર.” સત્સંગ એમના થકી જ મળે છે અને દુઃસંગ દૂર થાય છે.

પ્રભુની કૃપા આપણા પર ક્યારે થાય? કેવી રીતે થાય?

એક પ્રશ્ર્ન થાય: પ્રભુની કૃપા આપણા પર ક્યારે થાય ? કેવી રીતે થાય ?

શ્રીમહાપ્રભુજીનો જવાબ છે:
કર્મનો કાયદો છે. કૃપાનો કોઇ કાયદો નાથી. વેદ ચોખ્ખા શબ્દોમાં કહે છે – તમે ગમે તેટલાં સાધનો ભલે કરો, પણ તેથી પ્રભુની કૃપા તમને મળશે જ અવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. કૃપાને કાર્ય-કારણનો કોઇ સંબંધ નથી. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે. તે ઇચ્છે તો કૃપા કરે અને તે નો ઇચ્છે તો કૃપા ના કરે. આ બાબતે, જવાબો આપવા કે ખુલાસો કરવા પ્રભુ બંધાયેલા નથી. આથી પુષ્ટિમાર્ગંમાં પ્રભુની કૃપા જ નિયામક છે. તે ક્યારે, કેવી રીતે, કોના પર થશે તે કહી શકાય નહી.

તો બીજો પ્રશ્ર્ન એ થાય: પ્રભુની કૃપાથી બધું સુલભ થતું હોય, ત્યારે પુષ્ટિમાર્ગંમાં કૃપા મળવાની રાહ જોતાં આપણે હાથ જોડીને બેસી રહેવાનું ?

શ્રીમહાપ્રભુજીનો સુંદર જવાબ છે:
આપણને પુષ્ટિમાર્ગંમાં પ્રવેશ મળ્યો છે, એ પ્રભુની આપણા પરની કૃપા જ છે. અબજો જીવો પ્રવાહી છે, લાખો જીવો મર્યાદા છે, બહુ થોડા જ પુષ્ટિજીવો છે, તેમાંના આપણે છીયે.
– આવા પસંદગી પામેલા અલ્પમાં પ્રભુની કૃપા વિના સ્થાન મળે? આ પહેલી કૃપા.
– પછી શરણાગતિ અને સમર્પણની દિક્ષા મળે – એ બીજી કૃપા.
– વંશ-વારસામાં અનુકૂળ વૈષ્ણવ-પરિવાર મળે – એ ત્રિજી કૃપા.
– સેવાની આજ્ઞા અને સ્વરૂપ પ્રાપ્ત થાય – એ ચોથી કૃપા.

કૃપાનો તો આપડા પર મુશળધાર વરસાદ પડે છે. બારી-બારણા બંધ કારીને બેસિયે તો દોષ કોનો?

શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે:
તમારા ‘માહ્યલા’ ને ખાનગીમાં પૂછી જુઓ : આ કૃપા ઝીલવાની, તમારી તૈયાર છે?
ઘરઆંગણે આવતી કૃપારૂપી ગંગાને જોઇ ઘરનાં બારણા કેમ વાસી દો છો?
પુષ્ટિમાર્ગંમાં આવી, કૃપામાં ભીંજાવાને બદલે, સેવા-સ્મરણ વિનાના કોરા કેમ છો?

શ્રીમહાપ્રભુજીએ સમજાવે છે:
કૃપા કરવામાં પ્રભુ ભલે સ્વતંત્ર હોય, પરંતુ તેમની એક નબળાઇ છે. પ્રેમ જોઇને પ્રભુ પીગળી જાય છે. તમારા સ્વાર્થ માટે પ્રેમનું પ્રદર્શન કરવા ન જશો, પણ તેને સાચો પ્રેમ કરો. પ્રેમમાં દીનતા ઉમેરાય તો સોનું વધુ ઉજળું થાય. દીનતાની સાથે નિ:સાધનતા ઉમેરો, સોનામાં સુગંધ મળશે. એના સુખ માટે તાપભાવ રાખો, તો સોનું ઘરેણું બની જશે. દીનતા, તાપભાવ અને નિ:સાધનતા તમારા હાથની વાત છે. આ ત્રણ જીવનમાં આવ્યાં એટલે પ્રેમાસ્પદ પ્રભુનેય પ્રેમ પામવા આવ્યા વિના છૂટકો નથી. પ્રભુને પ્રેમ ખેચીને લયાવશે. આ ત્રણ વસ્તુઓ માટે મથવું પડે. કોઇ મોમાં કોળીયો મૂકી આપે, ચાવવા માટે દાંત અને શક્તિ આપે, પણ ચાવવું તો આપણે જ પડે! પ્રભુ આપણી પાસે ચવડાવે તે જ તેની કૃપા!

ચાલો પ્રભુની કૃપા જીલવા તૈયાર થઇયે.

"કૃપાપાત્ર થવા કરો પ્રેમ-ભક્તિ;
           ન ભૂલો તમે છો કૃપામાર્ગ-પંથી."

અજાણ્યાં કર્મનું ફળ

એક રાજા મહેલના આંગણામાં બ્રાહ્મણોને ભોજન ખવડાવી રહ્યો હતો. રાજાનો રસોઇઑ ખુલ્લા આંગણામાં રસોઇ બનાવતો હતો.

તે જ સમયે એક ગરુડ તેના પંજામાં જીવંત સાપ સાથે રાજાના મહેલ ઉપરથી પસાર થયો. ત્યારે પંજામાં ફસાયેલા સાપે તેના આત્મરક્ષણમાં ગરુડથી બચવા માટે તેના મોં માંથી ઝેર કાઢ્યું અને એ ઝેરના થોડા ટીપા બ્રાહ્મણો માટે બનાવાતી રસોઇમાં પડ્યા. કોઈને કાંઈ ખબર ન પડી. પરિણામે જે બ્રાહ્મણો જમવા આવ્યાં હતા, તે બધા ઝેરી ખોરાક ખાધા પછી મરી ગયા.

હવે જ્યારે રાજાને બધા બ્રાહ્મણોના મૃત્યુની ખબર પડી, ત્યારે તે બ્રહ્મહત્યાથી ખૂબ જ દુખી થયો.

આવી સ્થિતિમાં ઉપર બેઠેલા યમરાજ માટે એ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે કે આ પાપનું ફળ કોણે આપશે?
(૧) રાજા… જેને ખબર ન હતી કે ખોરાક ઝેરી થઈ ગયો છે … અથવા
(૨) રસોઇઑ… જેને ખબર નહોતી કે રસોઈ બનાવતી વખતે તે ઝેરી થઈ ગઈ છે … અથવા
(૩) ગરુડ… જે ઝેરી સાપ લઇને રાજાની ઉપરથી પસાર થયો … અથવા
(૪) સાપ… જેણે પોતાના આત્મરક્ષણ માટે ઝેર કાઢ્યું હતું …

આ મામલો ઘણા સમયથી યમરાજની ફાઇલમાં અટવાયો …

પછી થોડા સમય પછી કેટલાક બ્રાહ્મણો તે રાજ્યમાં રાજાને મળવા આવ્યા અને તેઓએ એક સ્ત્રીને રાજમહેલ જવા માટેનો માર્ગ પુછ્યો. મહિલાએ રાજમહેલનો રસ્તો બતાવ્યો, પણ રસ્તો બતાવવાની સાથે તે બ્રાહ્મણોને એમ પણ કહ્યું કે “જુઓ ભાઈ… જરા ધ્યાન રાખજો… તે રાજા તમારા જેવા બ્રાહ્મણોને ખાવામાં ઝેર આપીને મારી નાખે છે.”

જેવું એ મહિલાએ આવું કહ્યું, તે જ સમયે, યમરાજે નિર્ણય લીધો કે તે મૃત બ્રાહ્મણોના મૃત્યુના પાપનું ફળ, આ સ્ત્રીના ખાતામાં જશે અને તે પાપનું ફળ તેને સહન કરવું પડશે.

યમરાજના દૂતોએ પૂછ્યું – પ્રભુ આમ શાં માટે ? જ્યારે તે મૃત બ્રાહ્મણોની હત્યા કરવામાં મહિલાની કોઈ ભૂમિકા નહોતી.

ત્યારે યમરાજે કહ્યું – જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તેને ખૂબ આનંદ મળે છે પણ ના તો રાજાને તે મરી ગયેલા બ્રાહ્મણોની હત્યા કરવામાં આનંદ મળ્યો… ના તો તે રસોઈઆને મળ્યો … કે ના સાપને મળ્યો … કે ના એ ગરુડને મળ્યો. પરંતુ પાપ-કર્મની ઘટનાની વાત કરવાથી, તે દુષ્ટ સ્ત્રીને ચોક્કસ આનંદ મળ્યો.

તેથી, રાજાના તે અજાણતાં પાપ- કર્મનું ફળ હવે આ સ્ત્રીના ખાતામાં જશે.

આ ઘટના હેઠળ, જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરાબ અર્થમાં બીજાના પાપ-કર્મના વખાણ કરે છે, તો પાપ કરવાવાળી વ્યક્તિના પાપનો એક ભાગ તે દુષ્ટ કરનારના ખાતામાં મૂકવામાં આવે છે.

તારો મને સાંભરશે સથવારો

તારો મને સાંભરશે સથવારો,
જ્યાં સુધી આભની માથે જબુકશે ચંન્દ્ર-સૂરજનો જબકરો રે. તારો મને…

વિસર્યો છે વિસરશે જીવનભરમાં કાનુડો કામણગારો,
ભવભવ કેરો સાથ નિભાવવા, મૂકજે ના હાથ નોધરો રે. તારો મને…

આજ વિજોગી વાણુ-વાયુને, આસુંડે ઊભરાયું,
બાળપણાની હોઠડીયે આજે, ગીત અધુરૂં ગાયુ રે.
ક્યારે મળવાનો આવશે વારો રે. તારો મને…

યાદ આવે ત્યારે યાદ કરી લેજે, બાળ સખો દુખિયારો,
આજ થકી રહેશે કૃશ્ણ-સુદામાનો, પ્રાણ હવે સહિયારૉ રે. તારો મને…

પ્રેમલ જ્યોતિ તારી દાખવી

પ્રેમલ જ્યોતિ તારી દાખવી, મુજ જીવન-પંથ ઊજાળ

દૂર પડ્યો નીજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂજે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન-પંથ ઊજાળ. પ્રેમલ જ્યોતિ…

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય. પ્રેમલ જ્યોતિ…

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ – બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું હું તુજ આધાર. પ્રેમલ જ્યોતિ…

ભભકભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયા જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ. પ્રેમલ જ્યોતિ…

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લાગી પ્રેમભેર,
નિશ્વે તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમાળ જ્યોતિની સેર. પ્રેમલ જ્યોતિ…

કર્મભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરોડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. પ્રેમલ જ્યોતિ…

રજાની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યા ચિરકાળ.
જે મેં ખોયાં હતાં ક્ષણવાર. પ્રેમલ જ્યોતિ…