પ્રેમલ જ્યોતિ તારી દાખવી, મુજ જીવન-પંથ ઊજાળ
દૂર પડ્યો નીજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂજે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન-પંથ ઊજાળ. પ્રેમલ જ્યોતિ…
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય. પ્રેમલ જ્યોતિ…
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ – બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું હું તુજ આધાર. પ્રેમલ જ્યોતિ…
ભભકભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયા જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ. પ્રેમલ જ્યોતિ…
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લાગી પ્રેમભેર,
નિશ્વે તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમાળ જ્યોતિની સેર. પ્રેમલ જ્યોતિ…
કર્મભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરોડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. પ્રેમલ જ્યોતિ…
રજાની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યા ચિરકાળ.
જે મેં ખોયાં હતાં ક્ષણવાર. પ્રેમલ જ્યોતિ…