ભગવદીયોની કૃપા

શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે:
પ્રભુને જે કોઈ પામ્યા છે તે ભગવદીયોની કૃપાથી જ, એમના સંગ થકી પામ્યા છે. પ્રભુથી પ્રભુને કોઈ પામ્યા નથી. માટે એક ક્ષણ પણ ભગવદીયના સંગ વિના રહેવું નહીં. કેમ કે એમના સંગથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. આવો ભગવદીયોનો મોટો પ્રભાવ છે. એમનો મહિમા છે. ભગવદીયોની મંડળીમાંથી ભગવાનના ચરિત્રો જાણવા મળે. કારણ કે પ્રભુ પોતે પોતાના જસ વરણતા નથી. એ તો ભગવદીયો દ્વારા પોતાના જસના ગાન કરાવે છે. ભગવદીય સર્વથી મોટા છે. ભગવદીયોનો સંગ છોડવો નહીં અને સેવા-સ્મરણ છોડવા નહીં.

શ્રીહરિરાય મહાપ્રભુજી પણ ભગવદીયોનો સંગ કરવાની આજ્ઞા આપે છે.
પોતે પણ કહે છે : “હોં વારી ઈન વલ્લભીયન પર.” સત્સંગ એમના થકી જ મળે છે અને દુઃસંગ દૂર થાય છે.

પ્રભુની કૃપા આપણા પર ક્યારે થાય? કેવી રીતે થાય?

એક પ્રશ્ર્ન થાય: પ્રભુની કૃપા આપણા પર ક્યારે થાય ? કેવી રીતે થાય ?

શ્રીમહાપ્રભુજીનો જવાબ છે:
કર્મનો કાયદો છે. કૃપાનો કોઇ કાયદો નાથી. વેદ ચોખ્ખા શબ્દોમાં કહે છે – તમે ગમે તેટલાં સાધનો ભલે કરો, પણ તેથી પ્રભુની કૃપા તમને મળશે જ અવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. કૃપાને કાર્ય-કારણનો કોઇ સંબંધ નથી. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે. તે ઇચ્છે તો કૃપા કરે અને તે નો ઇચ્છે તો કૃપા ના કરે. આ બાબતે, જવાબો આપવા કે ખુલાસો કરવા પ્રભુ બંધાયેલા નથી. આથી પુષ્ટિમાર્ગંમાં પ્રભુની કૃપા જ નિયામક છે. તે ક્યારે, કેવી રીતે, કોના પર થશે તે કહી શકાય નહી.

તો બીજો પ્રશ્ર્ન એ થાય: પ્રભુની કૃપાથી બધું સુલભ થતું હોય, ત્યારે પુષ્ટિમાર્ગંમાં કૃપા મળવાની રાહ જોતાં આપણે હાથ જોડીને બેસી રહેવાનું ?

શ્રીમહાપ્રભુજીનો સુંદર જવાબ છે:
આપણને પુષ્ટિમાર્ગંમાં પ્રવેશ મળ્યો છે, એ પ્રભુની આપણા પરની કૃપા જ છે. અબજો જીવો પ્રવાહી છે, લાખો જીવો મર્યાદા છે, બહુ થોડા જ પુષ્ટિજીવો છે, તેમાંના આપણે છીયે.
– આવા પસંદગી પામેલા અલ્પમાં પ્રભુની કૃપા વિના સ્થાન મળે? આ પહેલી કૃપા.
– પછી શરણાગતિ અને સમર્પણની દિક્ષા મળે – એ બીજી કૃપા.
– વંશ-વારસામાં અનુકૂળ વૈષ્ણવ-પરિવાર મળે – એ ત્રિજી કૃપા.
– સેવાની આજ્ઞા અને સ્વરૂપ પ્રાપ્ત થાય – એ ચોથી કૃપા.

કૃપાનો તો આપડા પર મુશળધાર વરસાદ પડે છે. બારી-બારણા બંધ કારીને બેસિયે તો દોષ કોનો?

શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે:
તમારા ‘માહ્યલા’ ને ખાનગીમાં પૂછી જુઓ : આ કૃપા ઝીલવાની, તમારી તૈયાર છે?
ઘરઆંગણે આવતી કૃપારૂપી ગંગાને જોઇ ઘરનાં બારણા કેમ વાસી દો છો?
પુષ્ટિમાર્ગંમાં આવી, કૃપામાં ભીંજાવાને બદલે, સેવા-સ્મરણ વિનાના કોરા કેમ છો?

શ્રીમહાપ્રભુજીએ સમજાવે છે:
કૃપા કરવામાં પ્રભુ ભલે સ્વતંત્ર હોય, પરંતુ તેમની એક નબળાઇ છે. પ્રેમ જોઇને પ્રભુ પીગળી જાય છે. તમારા સ્વાર્થ માટે પ્રેમનું પ્રદર્શન કરવા ન જશો, પણ તેને સાચો પ્રેમ કરો. પ્રેમમાં દીનતા ઉમેરાય તો સોનું વધુ ઉજળું થાય. દીનતાની સાથે નિ:સાધનતા ઉમેરો, સોનામાં સુગંધ મળશે. એના સુખ માટે તાપભાવ રાખો, તો સોનું ઘરેણું બની જશે. દીનતા, તાપભાવ અને નિ:સાધનતા તમારા હાથની વાત છે. આ ત્રણ જીવનમાં આવ્યાં એટલે પ્રેમાસ્પદ પ્રભુનેય પ્રેમ પામવા આવ્યા વિના છૂટકો નથી. પ્રભુને પ્રેમ ખેચીને લયાવશે. આ ત્રણ વસ્તુઓ માટે મથવું પડે. કોઇ મોમાં કોળીયો મૂકી આપે, ચાવવા માટે દાંત અને શક્તિ આપે, પણ ચાવવું તો આપણે જ પડે! પ્રભુ આપણી પાસે ચવડાવે તે જ તેની કૃપા!

ચાલો પ્રભુની કૃપા જીલવા તૈયાર થઇયે.

"કૃપાપાત્ર થવા કરો પ્રેમ-ભક્તિ;
           ન ભૂલો તમે છો કૃપામાર્ગ-પંથી."